વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૭
સંવત ૧૮૮૫ના વૈશાખ સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ચાકળા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી જે, (૧) જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એક વાર થયું હોય, ને પછી તેને દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થઈ જાય તોપણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. ત્યાં દૃષ્ટાંત છે : જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લખેશરી શાહુકાર હોય ને તેને પ્રારબ્ધાનુસારે તે અધિકાર છૂટી ગયો ને દરિદ્રપણું આવી ગયું, તેણે કરીને ખડધાન ખાવા મળે અથવા ડોડીની ભાજી મળે તથા કોઠાં, બોરાં, બાફેલી પીપર્યો ઇત્યાદિક જેવુંતેવું ખાવા મળે, ત્યારે તેને ખાય પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્યવાળી ચીજું કોઈને ન મળે એવી મગાવીને ખાધી હોય તે સર્વે સાંભરી આવે, ને મનમાં એમ ઘાટ કરે જે, એવી એવી ભારે ચીજોને હું મોરે ખાતો ને હવે હું આવું જેવુંતેવું અન્ન ખાઉં છું ! એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે ત્યારે તે સાંભરી આવે અને જે પ્રથમથી જ જેવુંતેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભરે ? તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એક વાર યથાર્થપણે જાણ્યું છે ને તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો, તોપણ તે સુખને સાંભરતો થકો જ સુખ-દુઃખને પ્રારબ્ધાનુસારે ભોગવે પણ તે સુખને ભૂલી ન જાય. અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી ને તેનો અનુભવ થયો નથી તે શું સંભારે ? એ તો પશુ જેવો છે. હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ જે, ભગવાનનો જેવો આકાર છે તેવો આકાર બીજા દેવ-મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી, ને ભગવાન વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્યપણું નથી ચાલતું એવા ભગવાન છે ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી, અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો જ છે, તોપણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે ને તે સર્વેમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને એ સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ને ધ્યેય છે ને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે. અને જેમ ચારે કોરે લાખો કાચનાં પૂતળાં હોય ને તેના મધ્યને વિષે એક પુરુષ ઊભો હોય ત્યારે તે સર્વે પૂતળાંને વિષે તે એકલો જ અનેક રૂપે દેખાય, તેમ એક ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિષે રહ્યા થકા જ અનેક બ્રહ્માંડને વિષે રહ્યા જે સર્વે જીવના સમૂહ તેમને વિષે તેમના યથાયોગ્ય કર્મફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે, તે જેવા પોતે છે તેવા જ દેખાય છે તે કહ્યું છે જે ।। क्षेत्रज्ञं जापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत ।। અને સર્વ જીવનાં જીવન છે ને એ ભગવાન વિના એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થાતો. અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે. જેમ કોઈક સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયાં બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે, તેમ ભગવાન એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગકળાના સામર્થ્યે કરીને સર્વે ક્રિયાને કરે છે, અને જેમ અગ્નિ જે તે કાષ્ઠને વિષે ને પાષાણને વિષે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે, ને કાષ્ઠ-પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે, તેમ ભગવાન તો પ્રથમ કાચનું દૃષ્ટાંત દીધું તેવી રીતે સર્વ જીવને વિષે રહ્યા છે તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે, અને એવી રીતના અનંત ઐશ્વર્યે યુક્ત એવા જે એ ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ કરી હોય ને તે જ્ઞાન-ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એક વાર યથાર્થ થયો હોય, તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહિ તે ગમે તેવું સુખ-દુઃખ પડે તોપણ તેને વિષે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ વીસરી જાય નહીં. જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વિસરતું નથી તેમ. અને આ વાર્તા શા સારુ કરીએ છીએ, તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે પણ કદાચિત્ દેશ, કાળ, પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે, તો જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય, અને એવો દૃઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય જે મારું અકલ્યાણ થાશે, અને આવો યોગ રહેવો તે બહુ દુર્લભ છે ને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે. કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય તોપણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય માટે આ વાર્તા કરી છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૩૭।। (૨૭૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા જેવો બીજા કોઈનો આકાર નથી, ને અમારા વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરે છે ને અમારા જેવો બીજો કોઈ નથી, અને અમારા ધામમાં અમારા ભક્ત છે તેનો આકાર અમારા જેવો જ છે, તોપણ તે પુરુષ છે અને અમે પુરુષોત્તમ છીએ ને એ મુક્તોથી શ્રેષ્ઠ છીએ ને એ મુક્તોને ઉપાસ્ય ને સ્વામી છીએ ને એ મુક્તો અમારા મહિમાના પારને પામતા નથી, એવા દિવ્ય મૂર્તિ, નિર્ગુણ ને ધ્યેય છીએ અને અમારું ધ્યાન કરનારા નિર્ગુણ થઈ જાય છે અને અમારા ધામને વિષે એક દેશને વિષે રહ્યા થકા અનેક બ્રહ્માંડમાં કર્મફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે રહ્યા છીએ. અને જેવા અક્ષરધામમાં છીએ તેવા આંહીં દેખાઈએ છીએ ને સર્વે જીવોના જીવન છીએ અને સિદ્ધેશ્વર છીએ અને અમારું સ્વરૂપ બીજી રીતનું એટલે અક્ષરાદિક સર્વેથી અતિ વિલક્ષણ છે અને જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા દેખાઈએ છીએ. આવું અમારું જ્ઞાન થયું હોય ને અમારી ભક્તિ કરી હોય તો તે ક્યારેય વીસરી જાય નહિ ને તેના જીવનું સારું થાય. (૧) બાબત છે.
૧ પ્ર ચારે કોરે લાખો કાચનાં પૂતળાં હોય તેના મધ્યને વિષે એક પુરુષ ઊભો હોય તે પુરુષ સર્વે પૂતળામાં દેખાય તેમ અમે ધામમાં રહ્યા થકા અનેક બ્રહ્માંડને વિષે જીવ જીવ પ્રત્યે કર્મફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે રહ્યા છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું, અને (કા. ૪ના બીજા પ્રશ્નમાં) પણ જેમ દર્પણને વિષે સભા જણાય છે તેમ જીવને વિષે અમે જણાઈએ છીએ એમ કહ્યું છે, અને (લો. ૪ના પહેલા પ્રશ્નમાં) મધ્યના કાચના મંદિરમાં પુરુષ ઊભો હોય તે ફરતી કાચની ઓરડીઓમાં દેખાય, તેમ અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા જ અનંતકોટિ બ્રહ્માંડને વિષે અનંત રૂપે દેખાઈએ છીએ, એમ કહ્યું છે તે જીવ જીવ પ્રત્યે જેવા ધામમાં છે એવા જ રહ્યા હોય તો તો જીવના કલ્યાણ કરવા સારુ (લો. ૪માં) કહ્યું તેવી રીતે બ્રહ્માંડમાં દેખાવાની કાંઈ જરૂર રહી નહિ, કેમ જે અક્ષરધામમાં છે તેવા જ જીવમાં હોય તો જીવનાં કલ્યાણ થઈ જવાં જોઈએ માટે તે કેવી રીતે સમજવું ?
૧ ઉ આમાં સર્વ જીવના સમૂહને વિષે ફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે રહ્યા છીએ એમ જે કહ્યું છે તે તો અંતર્યામી રૂપે પોતાના તેજ દ્વારે રહ્યા છે અને જેવા છીએ તેવા દેખાઈએ છીએ એમ જે કહ્યું તે તો ધ્યાને કરીને મૂર્તિને જોઈ શકે એવા જે પોતાના ભક્ત તેને જ દેખાઈએ છીએ એમ કહ્યું છે, પણ સર્વેને દેખાઈએ છીએ એમ નથી કહ્યું માટે તેજ દ્વારે જ સર્વે જીવોને વિષે રહ્યા છે તે તેજ દ્વારે મૂળઅક્ષરને વિષે પણ રહ્યા છે અને મૂળઅક્ષર દ્વારે વાસુદેવબ્રહ્મને વિષે રહ્યા છે અને બ્રહ્મ દ્વારે મૂળપુરુષને વિષે રહ્યા છે અને જીવોમાં તો મૂળપુરુષ દ્વારે રહ્યા છે. તે (પ્ર. ૧૩માં) પુરુષપ્રકૃતિરૂપ જે અમારી શક્તિ તેણે સહિત જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છીએ અને (પ્ર. ૪૬માં) પ્રકૃતિ જે માયા તેના કાર્યને વિષે અન્વય-વ્યતિરેકપણું તે મૂળપુરુષનું જ છે એમ કહ્યું છે, માટે જીવમાં પુરુષ દ્વારે જ રહ્યા છે અને (મ. ૧૩/૨માં) જે જે પદાર્થ અમારા સંબંધને પામે તે નિર્ગુણ થઈ જાય છે અને આમાં પણ જે અમારું ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એમ કહ્યું છે, માટે જે સંબંધને પામે તથા ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય, તો જીવમાં સાક્ષાત્ રહ્યા હોય તો જીવ નિર્ગુણ કેમ ન થાય ? અને (પ્ર. ૨૭માં) આવે લક્ષણે યુક્ત થાય તેને વિષે અમે સર્વ પ્રકારે નિવાસ કરીએ છીએ તો જો પહેલાંથી જ રહ્યા હોય તો સર્વ પ્રકારે નિવાસ કરવાનું શું કરવા કહે ? અને (છે. ૨૭માં) પાંચ વર્તમાને યુક્ત હોય તેને જ અમારો સંબંધ હોય છે, માટે જીવમાં તો અંતર્યામીપણે પોતાના તેજ દ્વારે જ રહ્યા છે, તે પણ પાત્રની તારતમ્યતાએ રહ્યા છે તે (પ્ર. ૪૧માં) જેવા અક્ષરમાં છીએ તેવા પુરુષપ્રકૃતિમાં નથી અને જેવા પુરુષપ્રકૃતિમાં છીએ તેવા પ્રધાનપુરુષમાં નથી, અને પ્રધાનપુરુષમાં છીએ તેવા મહત્તત્ત્વમાં નથી, અને તેવા અહંકારમાં નથી ને તેવા ચોવીશ તત્ત્વમાં નથી ને તેવા વૈરાજમાં નથી ને વૈરાજમાં છીએ તેવા વિષ્ણુ-બ્રહ્મા-શિવમાં નથી, અને જેવા એ ત્રણમાં છીએ તેવા મનુષ્યમાં નથી ને મનુષ્યમાં છીએ તેવા પશુ-પક્ષીમાં નથી, એમ કહ્યું છે. માટે તેજ દ્વારે પણ પાત્ર પ્રમાણે રહ્યા છે. અને (સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) પણ બદ્ધ જીવ તથા મુક્ત જીવ તથા ઈશ્વર તથા અક્ષર તેને વિષે અન્વયપણે રહ્યા છીએ અને વ્યતિરેક સ્વરૂપે તો મૂળઅક્ષરાદિક સર્વેથી પર છીએ એમ કહ્યું છે. અને (પ્ર. ૬૪/૧માં) જેમ સૂર્ય પોતાના પ્રકાશનો આત્મા છે તેમ અમે અમારા તેજના આત્મા છીએ અને અમારું તેજ મૂળઅક્ષરનું આત્મા છે એમ કહ્યું છે. માટે શ્રીજીમહારાજ તો મૂળઅક્ષરાદિક સર્વેથી પર છે ને સર્વેને અગમ્ય છે ને પોતાના તેજરૂપ ધામને વિષે જ મૂર્તિમાન રહ્યા છે તે મૂર્તિનાં દર્શન તો એમના મુક્તને જ છે પણ બીજા કોઈને નથી. અને જ્યારે જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવા સારુ પૃથ્વીને વિષે મનુષ્ય રૂપે દર્શન આપે, ને એમના મુક્તને યોગે કરીને જેને શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય, ને એમની ઉપાસના-ધ્યાન-ભજન કરે, ને એમની આજ્ઞા પાળે ત્યારે જ આત્યંતિક કલ્યાણ થાય છે ને દર્શન પણ ત્યારે જ થાય છે. અને (કા. ૪માં) પણ અન્વયપણે રહ્યા છે તેનો ખુલાસો એમાં જ પહેલા પ્રશ્નોત્તરમાં કર્યો છે અને કાચની ઓરડીઓની તથા પૂતળાંની મધ્યે પુરુષ ઊભા હોય તે બધેય દેખાય છે તેમ અમે દેખાઈએ છીએ એમ કહ્યું, તે તો સમજાવવા સારુ દૃષ્ટાંત દીધું છે, પણ પુરુષ તો જડ ને અસમર્થ છે તે બધે દેખાવા સમર્થ નથી અને ભગવાન તો સમર્થ છે ને સર્વજ્ઞ છે, માટે જીવોના કલ્યાણને અર્થે જેવા અક્ષરધામમાં છે તેવા જ અનંત બ્રહ્માંડમાં દર્શન આપે છે, પણ પુરુષની પેઠે પ્રતિબિંબ નથી દેખાતું; પુરુષનો તો આભાસ પડે છે, માટે જડ વસ્તુનું દૃષ્ટાંત ચૈતન્ય વસ્તુને સર્વ પ્રકારે સાદૃશ્ય થાય જ નહીં. ।।૩૭।।